ભોજન બાદ અચાનક વિદ્યાર્થીનીઓની તબિયત બગડી
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં સામૂહિક ખોરાકી ઝેર (ફૂડ પોઇઝનિંગ)ની ગંભીર ઘટના સામે આવી છે. ભોજન લીધા બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓને ઉલટી અને ઝાડાની ફરિયાદ શરૂ થતાં તાત્કાલિક હોસ્પિટલોમાં ખસેડવામાં આવી હતી. કુલ 215 વિદ્યાર્થીનીઓમાંથી 147 વિદ્યાર્થીનીઓ અસરગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. હાલ આશરે 25 વિદ્યાર્થીનીઓ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે અન્યની સારવાર ચુડા અને લીંબડીમાં કરવામાં આવી રહી છે.
વહીવટીતંત્ર દોડતું થયું
ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. ચુડા, લીંબડી અને સુરેન્દ્રનગરની હોસ્પિટલોમાં આરોગ્ય વિભાગની વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી હતી. ચુડાની સીએચસીમાં દર્દીઓની સંખ્યા વધી જતાં ખાટલાની અછત સર્જાઈ હતી, જેના કારણે અનેક વિદ્યાર્થીનીઓને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં રિફર કરાઈ હતી.

વાલીઓ અને વિદ્યાર્થીનીઓના ગંભીર આક્ષેપ
ઘટના બાદ કેટલાક વાલીઓએ શાળા સંચાલન પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે દીકરીઓની તબિયત બગડવા અંગે સમયસર જાણ કરવામાં આવી નહોતી. બીજી તરફ, એક અસરગ્રસ્ત વિદ્યાર્થીનીએ હોસ્ટેલના ભોજન અંગે ગંભીર ફરિયાદ કરતાં જણાવ્યું કે સાંજે બનાવેલું ભોજન બીજા દિવસે સવારે અને સવારે બનાવેલું ભોજન બપોર તથા રાત્રે પણ પીરસવામાં આવે છે. વિદ્યાર્થીનીએ એવો પણ આક્ષેપ કર્યો કે ફરિયાદ કરનારાઓને એલ.સી. આપી દેવાની ધમકી આપવામાં આવતી હતી. આ આરોપોની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.
તપાસના આદેશ, જવાબદારી નક્કી થશે
સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ હોસ્પિટલની મુલાકાત લઈને વિદ્યાર્થીનીઓના ખબરઅંતર પૂછ્યા હતા. તેમણે જણાવ્યું કે હાલ પ્રથમ પ્રાથમિકતા તમામ દીકરીઓને યોગ્ય સારવાર આપવાની છે અને મોટાભાગની વિદ્યાર્થીનીઓની સ્થિતિ સ્થિર છે. સાથે જ તેમણે ખાતરી આપી હતી કે ઘટનામાં કોઈની બેદરકારી અથવા ભૂલ સામે આવશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
