રાજકોટમાં ભેળસેળના મસાલાનો મોટો પર્દાફાશ
રસોડામાં રોજ વપરાતા મરચું, હળદર અને ધાણાજીરું જેવા મસાલા પણ હવે શંકાના ઘેરામાં આવી ગયા છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં SOGએ બ્રાન્ડેડ મસાલાના નામે ચાલતા ભેળસેળના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહીમાં અંદાજે ₹41.91 લાખનો શંકાસ્પદ મસાલાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
મસાલામાં કેમિકલ, મકાઈનો લોટ અને પામોલીન તેલની ભેળસેળ
તપાસ દરમિયાન સામે આવ્યું કે મહાદેવ ઇન્ડસ્ટ્રીઝ અને જેપી મસાલા નામની ફેક્ટરીઓમાં ધાણાજીરામાં ભૂસું ભેળવવામાં આવતું હતું. જ્યારે મરચું અને હળદરમાં સસ્તા ભાવનો મકાઈનો લોટ, પામોલીન તેલ તેમજ કૃત્રિમ કેમિકલ કલર ઉમેરીને તેને બ્રાન્ડેડ મસાલા તરીકે વેચવામાં આવતો હતો.
SOG અને ફૂડ વિભાગની સંયુક્ત કાર્યવાહી
બાતમીના આધારે SOGએ ફૂડ એન્ડ ડ્રગ સેફ્ટી વિભાગ સાથે મળીને બંને ફેક્ટરીઓમાં દરોડા પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન મોટી માત્રામાં શંકાસ્પદ મસાલાનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આ કેસમાં ફેક્ટરી માલિક મિતુલભાઈ ઉર્ફે મનીષ ગિરધરભાઈ બાલધાનીની ધરપકડ કરવામાં આવી છે.

લેબ ટેસ્ટ બાદ થશે વધુ ખુલાસા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મસાલાના નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળની ચોક્કસ વિગતો સામે આવશે અને કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સપ્લાય ચેઇનની પણ તપાસ શરૂ
પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ભેળસેળયુક્ત મસાલાનો સપ્લાય કયા વિસ્તારોમાં કરવામાં આવતો હતો, કેટલા સમયથી આ ગેરકાયદે ધંધો ચાલી રહ્યો હતો અને તેમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે. આરોગ્ય સાથે ચેડાં કરતા આવા કૌભાંડો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
