કર્ણાટકના વિજયપુરા જિલ્લાના મુદ્દેબિહાલ તાલુકાના બસરાકોડ ગામમાં આવેલા શ્રી પવાડા બસવેશ્વર મંદિરમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરો મંદિરના ગર્ભગૃહમાં ઘૂસી આશરે 32 કિલો વજનની ચાંદીની મૂર્તિ તેમજ 60 કિલોથી વધુ ચાંદીના દાગીના અને અન્ય કિંમતી સામાન ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે. ચોરી થયેલા સામાનની કુલ કિંમત 1.20 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાવાઈ રહ્યું છે.
મંદિર સમિતિના જણાવ્યા મુજબ 5 જુલાઈની રાત્રે નિયમિત પૂજા પૂર્ણ કર્યા બાદ મંદિરને તાળા મારી દેવામાં આવ્યા હતા. પરંતુ 6 જુલાઈની વહેલી સવારે પૂજારીએ મંદિરના દરવાજાના તાળા તૂટેલા જોયા અને ગર્ભગૃહમાં રાખવામાં આવેલી ચાંદીની મૂર્તિ પોતાના સ્થાન પરથી ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું. પ્રાથમિક અંદાજ મુજબ ચોરી રાત્રે 9 વાગ્યાથી વહેલી સવારે 4:30 વાગ્યાની વચ્ચે થઈ હોવાનું માનવામાં આવે છે.
ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે ઘટના સમયે મંદિરના CCTV કેમેરા બંધ હોવાનું સામે આવ્યું છે. જેના કારણે પોલીસને પૂર્વયોજિત ષડયંત્રની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ મુદ્દેબિહાલ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીઓને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. હાલ સુધી કોઈ આરોપીની ધરપકડ થઈ નથી અને તપાસ ચાલુ છે.
