Microsoftનો મોટો નિર્ણય, હજારો કર્મચારીઓ પર પડશે અસર
વિશ્વની અગ્રણી ટેક કંપની Microsoft એ ફરી એકવાર મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. કંપની પોતાના વૈશ્વિક કર્મચારી દળમાંથી અંદાજે 4,800 કર્મચારીઓને હટાવવાની તૈયારીમાં છે. જોકે, આ નિર્ણય સાથે અસરગ્રસ્ત કર્મચારીઓને આર્થિક રાહત મળે તે માટે વિશેષ સેવરન્સ પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે.
39 અઠવાડિયા સુધી પગાર સહિત અનેક સુવિધાઓ મળશે
કંપનીના જણાવ્યા મુજબ, નોકરી ગુમાવનારા કર્મચારીઓને તેમની સર્વિસ અને પદના આધારે મહત્તમ 39 અઠવાડિયા સુધીનો બેઝ સેલેરી, સ્ટોક વેસ્ટિંગ તેમજ હેલ્થ ઇન્સ્યોરન્સ જેવી સુવિધાઓ આપવામાં આવશે. અલગ-અલગ લેવલના કર્મચારીઓ માટે અલગ સેવરન્સ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવ્યો છે જેથી લાંબા સમયથી જોડાયેલા કર્મચારીઓને વધુ લાભ મળી શકે.
AI પર ફોકસ વધતાં ખર્ચ ઘટાડવાનો નિર્ણય
Microsoft હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સેન્ટર અને નવી ટેક્નોલોજીમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રહી છે. કંપનીનું માનવું છે કે બદલાતા ટેક માર્કેટમાં સ્પર્ધાત્મક રહેવા માટે સંસાધનોનું પુનર્ગઠન જરૂરી છે. આ કારણસર સંગઠનાત્મક ફેરફારો સાથે ખર્ચ ઘટાડવાના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.
Xbox ડિવિઝનમાં સૌથી વધુ અસર જોવા મળશે
આ લેઓફનો સૌથી મોટો પ્રભાવ કંપનીના Xbox ગેમિંગ વિભાગ પર જોવા મળશે. અહેવાલો અનુસાર, હજારો કર્મચારીઓ પર તેની અસર પડશે અને કેટલાક ગેમ સ્ટુડિયોને અલગ કરવા અથવા વેચવાના વિકલ્પો પર પણ વિચાર ચાલી રહ્યો છે. કંપનીનું કહેવું છે કે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરવામાં આવી રહ્યા છે.
