નહીં ઝૂકીએ..નહીં અટકીએ..બસ આ જ નીતિ પર ચાલી રહ્યા છે ઇરાન-અમેરિકા..પણ એક એવો દેશ છે જે તહેરાનને કરવા માગે છે બરબાદ.

રહસ્યમય હુમલાઓથી વધ્યું તણાવ

પશ્ચિમ એશિયામાં 2026ની શરૂઆતથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાન ફરી એકવાર રહસ્યમય હવાઈ હુમલાઓના નિશાને આવ્યું છે. અમેરિકાએ પોતાના હવાઈ હુમલાઓ પૂર્ણ થયાની જાહેરાત કર્યા બાદ પણ ઈરાનના અનેક વિસ્તારોમાં વિસ્ફોટો અને હુમલાઓ નોંધાતા નવા પ્રશ્નો ઊભા થયા છે. સૌથી મોટો સવાલ એ છે કે અમેરિકા અને ઇઝરાયલ સિવાય હવે તેહરાનને કોણ નિશાન બનાવી રહ્યું છે?

UAE પર ગંભીર આરોપ, પરંતુ કોઈ સત્તાવાર પુરાવો નહીં

ઈરાને અત્યાર સુધી કોઈ દેશનું સત્તાવાર નામ જાહેર કર્યું નથી. જોકે, ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના સભ્ય અને પૂર્વ IRGC કમાન્ડર ઈસ્માઈલ કૌસારીએ સંયુક્ત આરબ અમીરાત (UAE) પર અમેરિકાને સહયોગ આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે UAEએ પડદા પાછળ રહીને અમેરિકાને મદદ કરી છે. જોકે આ દાવાની કોઈ સ્વતંત્ર અથવા સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી, તેમજ UAEએ પણ આ આરોપોનો કોઈ જાહેર જવાબ આપ્યો નથી.

કયા વિસ્તારો બન્યા નિશાન?

ઈરાની મીડિયા અનુસાર બુશેહર, સિસ્તાન-બલુચિસ્તાન, આહવાઝ, ચાબહાર સહિત અનેક વિસ્તારોમાં વિસ્ફોટો થયા હતા. બીજી તરફ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે અગાઉ તેહરાન સહિત લગભગ 90 સ્થળો પર હુમલા પૂર્ણ થયાની જાહેરાત કરી હતી, પરંતુ ત્યારબાદ થયેલા હુમલાઓ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

હોર્મુઝ સ્ટ્રેટને લઈને વધી રહી છે ટક્કર

આ સમગ્ર ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર અને નિયંત્રણને લઈને અમેરિકા તથા ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઈરાનનો દાવો છે કે આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર તેનો સંપૂર્ણ નિયંત્રણ હોવો જોઈએ અને પસાર થતા જહાજોએ ફી ચૂકવવી જોઈએ. વધતા હુમલાઓ વચ્ચે પશ્ચિમ એશિયામાં સુરક્ષા અને સ્થિરતા અંગે નવી ચિંતાઓ ઊભી થઈ છે.