મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભારે વરસાદ વચ્ચે નાગપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક રહેણાંક મકાનમાંથી એક-બે નહીં પરંતુ કુલ 40 કોબ્રા સાપ અને તેમના બચ્ચાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. અચાનક આટલી મોટી સંખ્યામાં ઝેરી સાપ જોવા મળતાં પરિવારજનો ગભરાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં વાઈલ્ડ ચેલેન્જર સંસ્થાની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સાપ પકડવામાં નિષ્ણાત રતન કુંભારે અને તેમની ટીમે પૂરતી સાવચેતી રાખીને તમામ કોબ્રા અને તેમના બચ્ચાંને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા હતા.

રેસ્ક્યુ પૂર્ણ થયા બાદ વન્યજીવ સંરક્ષણના નિયમો અનુસાર રામટેક ફોરેસ્ટ વિભાગને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમામ સાપોને તેમના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે છોડવામાં આવ્યા હતા.

વરસાદી ઋતુ દરમિયાન જમીનમાં પાણી ભરાવાના કારણે સાપ સહિતના અનેક જીવજંતુઓ રહેણાંક વિસ્તારો તરફ આવી જતા હોય છે. આવા સમયે કોઈપણ ઝેરી પ્રાણી દેખાય તો તેને પકડવાનો પ્રયાસ કરવાને બદલે તરત જ વન વિભાગ અથવા પ્રશિક્ષિત રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે.
