શિક્ષણ મંત્રાલયને મળ્યો નવો ચહેરો
NEET પેપર લીક મુદ્દે ઊભેલા રાજકીય વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ કેન્દ્ર સરકારે પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપી છે. નવી જવાબદારી મળ્યા બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તેઓ સંપૂર્ણ સમર્પણ અને જવાબદારી સાથે આ કાર્ય નિભાવશે.
PM મોદીનો માન્યો આભાર
શિક્ષણ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા બાદ પ્રહલાદ જોશીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પર વિશ્વાસ મૂકીને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ દેશની શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે તેઓ સંપૂર્ણ નિષ્ઠાથી કાર્ય કરશે.
કોણ છે પ્રહલાદ જોશી?
પ્રહલાદ જોશીનો જન્મ 27 નવેમ્બર, 1962ના રોજ કર્ણાટકના વિજયપુરામાં થયો હતો. તેમના પિતા સ્વ. વેંકટેશ જોશી ભારતીય રેલવેમાં કર્મચારી હતા, જ્યારે માતા માલતીબાઈ ગૃહિણી હતા. તેઓ કર્ણાટકની ધારવાડ લોકસભા બેઠક પરથી સતત પાંચ વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓ અગાઉ કોલસા, ખાણ અને સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે અને હાલમાં નવીનીકરણીય ઊર્જા, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ જેવા મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી પણ સંભાળી રહ્યા છે.
શિક્ષણ અને જાહેર જીવનની સફર
મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલા પ્રહલાદ જોશીએ રેલવે સ્કૂલ અને હુબલી ન્યૂ ઈંગ્લિશ સ્કૂલમાંથી પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેમણે બીએની ડિગ્રી મેળવી હતી. કોલેજના દિવસોથી જ તેઓ સામાજિક અને જનહિતના મુદ્દાઓ સાથે જોડાયા હતા અને બાદમાં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો. આજે તેઓ ભાજપના કર્ણાટકના અગ્રણીઓમાંના એક માનવામાં આવે છે.
ઊર્જા ક્ષેત્રમાં પણ મહત્વની ભૂમિકા
પ્રહલાદ જોશી હાલમાં દેશની નવીનીકરણીય ઊર્જા નીતિઓને આગળ ધપાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. 2030 સુધીમાં 500 GW બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતા અને 2070 સુધીમાં નેટ-ઝીરો ઉત્સર્જન હાંસલ કરવાના કેન્દ્ર સરકારના લક્ષ્યોને સાકાર કરવામાં તેઓ સક્રિય રીતે જોડાયેલા છે. હવે શિક્ષણ મંત્રાલયની વધારાની જવાબદારી સાથે તેમની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની છે.
