હૉસ્પિટલમાં પણ સોનમ વાંગચુકનો ઉપવાસ યથાવત્

શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને NEET પેપર લીક મુદ્દે આમરણ અનશન પર બેઠેલા ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવા છતાં તેમનો ઉપવાસ યથાવત્ છે. તેમના પત્ની ગીતાંજલિ જે. આંગમોએ સ્પષ્ટ કહ્યું છે કે હોસ્પિટલમાં દાખલ કરવાથી આંદોલન અટકશે નહીં અને 20 જુલાઈએ સંસદ માર્ચ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ જ યોજાશે.

20 જુલાઈની સંસદ માર્ચ યથાવત્

ગીતાંજલિએ જણાવ્યું કે આંદોલન હવે માત્ર NEET પેપર લીક પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં સુધારા માટેનું રાષ્ટ્રીય અભિયાન બની ગયું છે. તેમણે કહ્યું કે સરકાર અને નીતિ નિર્માતાઓએ શિક્ષણ પ્રણાલીમાં જરૂરી ફેરફાર કરવા જોઈએ અને આંદોલનનો હેતુ દેશના અંતરાત્માને જાગૃત કરવાનો છે.

ગ્લુકોઝ લેવાનો કર્યો ઇનકાર

પરિવારના જણાવ્યા અનુસાર હોસ્પિટલ દ્વારા ગ્લુકોઝ અને ઇલેક્ટ્રોલાઇટ્સ લેવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ સોનમ વાંગચુકે તે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. તેઓ છેલ્લા 20 દિવસથી માત્ર મીઠાવાળું પાણી લઈને જ ઉપવાસ ચાલુ રાખી રહ્યા છે. પરિવારનું કહેવું છે કે શારીરિક રીતે નબળાઈ હોવા છતાં તેઓ માનસિક રીતે સંપૂર્ણ મજબૂત છે.

પોલીસ કાર્યવાહી અને મેડિકલ રિપોર્ટ પર સવાલ

ગીતાંજલિએ દિલ્હી પોલીસની કાર્યવાહી અને હોસ્પિટલના કેટલાક મેડિકલ રિપોર્ટ્સ અંગે પણ સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે હાઈકોર્ટે હોસ્પિટલમાં દાખલ કરવાનો સીધો આદેશ આપ્યો નહોતો અને પોટેશિયમ લેવલ અંગે હોસ્પિટલના આંકડાઓની સ્વતંત્ર તપાસ કરાવવામાં આવશે.

હોસ્પિટલ શું કહે છે?

સફદરજંગ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. ચારુ બામ્બાના જણાવ્યા મુજબ લાંબા ઉપવાસને કારણે સોનમ વાંગચુકને સામાન્ય ડીહાઇડ્રેશન અને નબળાઈ છે. જોકે તેમના અન્ય તમામ વાઇટલ પેરામીટર્સ સ્થિર છે અને સતત મેડિકલ મોનિટરિંગ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે.