મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સતત ભારે વરસાદની સીધી અસર હવે હવાઈ સેવાઓ પર પણ જોવા મળી રહી છે. ખરાબ હવામાનને કારણે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન ખોરવાઈ ગયું છે. પરિણામે 17 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે 365 ફ્લાઇટ્સ નિર્ધારિત સમય કરતાં કલાકો મોડી દોડી રહી છે.

મળતી માહિતી મુજબ રવિવારે મધરાતથી સોમવારે સાંજે પાંચ વાગ્યા સુધી ખરાબ હવામાનને કારણે અનેક ફ્લાઇટ્સનું સંચાલન પ્રભાવિત થયું હતું. સુરક્ષિત ટેકઓફ અને લેન્ડિંગમાં મુશ્કેલી ઊભી થતાં પાંચ ફ્લાઇટ્સને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાં કેટલીક સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.

ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ઇન્ડિગો અને આકાસા એરે મુસાફરો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. એરલાઇન્સે મુસાફરોને એરપોર્ટ માટે નીકળતા પહેલાં પોતાની ફ્લાઇટનું લેટેસ્ટ સ્ટેટસ ચકાસવાની સલાહ આપી છે. મુંબઈ ઉપરાંત પુણે અને ગોવાની કેટલીક ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આવી સ્થિતિમાં મુંબઈથી મુસાફરી કરનારા મુસાફરોએ એરલાઇનની વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન પર ફ્લાઇટની માહિતી તપાસીને જ એરપોર્ટ જવાની સલાહ આપવામાં આવી છે.