પ્રચંડ આંચકાથી મેક્સિકો હચમચ્યું

મેક્સિકોના દક્ષિણી રાજ્ય ચિયાપાસના દરિયાકાંઠા વિસ્તારમાં શુક્રવારે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ તંત્ર દ્વારા તાત્કાલિક સુનામી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અંદાજે 10 લાખ લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

10 કિલોમીટરની ઊંડાઈએ હતું કેન્દ્રબિંદુ

અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ સંસ્થા USGS અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ પ્યુર્ટો મડેરો શહેર નજીક જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. આંચકા એટલા જોરદાર હતા કે ગ્વાટેમાલા અને અલ સાલ્વાડોરમાં પણ અનુભવાયા. હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સત્તાવાર અહેવાલ સામે આવ્યા નથી.

તટીય વિસ્તારોમાં પૂરનો ખતરો

ભૂકંપ બાદ દરિયાકાંઠાના વિસ્તારો માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે સમુદ્રમાં ઊંચા અને ખતરનાક મોજા ઉઠી શકે છે, જેના કારણે તટીય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

'પેસિફિક રિંગ ઓફ ફાયર'માં ફરી પ્રચંડ ભૂકંપ

આ ભૂકંપ દુનિયાના સૌથી સક્રિય ભૂકંપ ઝોન 'પેસિફિક રિંગ ઓફ ફાયર'માં આવ્યો છે. લગભગ 40,000 કિલોમીટર લાંબા આ વિસ્તારમાં વિશ્વના લગભગ 90 ટકા ભૂકંપ નોંધાય છે. છેલ્લા 30 દિવસમાં અહીં 22 ભૂકંપ નોંધાયા હતા, જેમાં આ સૌથી શક્તિશાળી રહ્યો.

અમેરિકાને સુનામીનો ખતરો નહીં

અમેરિકાના નેશનલ સુનામી વોર્નિંગ સેન્ટરએ સ્પષ્ટ કર્યું છે કે આ ભૂકંપના કારણે અમેરિકાના પશ્ચિમ કિનારા, બ્રિટિશ કોલંબિયા અને અલાસ્કા માટે સુનામીનો કોઈ ખતરો નથી.