ચિંતાજનક સ્થિતિ: આંધ્રમાં ફરી કોરોનાની દસ્તક
આંધ્ર પ્રદેશમાં ફરી એકવાર કોવિડ-19ને લઈને ચિંતા વધતી જોવા મળી છે. 26 જૂનથી 16 જુલાઈ દરમિયાન રાજ્યમાં કુલ 12 નવા કોરોના કેસ નોંધાયા છે. આ કેસોમાંથી 4 દર્દીઓના મોત થતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. સાવચેતીના ભાગરૂપે કડપ્પાની RIMS હોસ્પિટલમાં ખાસ કોવિડ આઇસોલેશન વૉર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
મૃત્યુ પામેલા દર્દીઓ પહેલેથી ગંભીર બીમારીથી પીડાતા હતા
રાજ્યના આરોગ્ય કમિશનર જી. વીરપાંડિયનના જણાવ્યા મુજબ મૃત્યુ પામેલા ચારેય દર્દીઓ પહેલાથી જ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કિડની જેવી ગંભીર બીમારીઓથી પીડાતા હતા. મૃતકોમાં ત્રણ કડપ્પા જિલ્લાના અને એક કાકીનાડાના રહેવાસી હતા.
26 જૂને નોંધાયો હતો વર્ષ 2026નો પ્રથમ કેસ
આંધ્ર પ્રદેશમાં વર્ષ 2026નો પ્રથમ કોરોના કેસ 26 જૂને કડપ્પા જિલ્લામાં નોંધાયો હતો. ત્યારબાદ 1 જુલાઈથી 16 જુલાઈ વચ્ચે વધુ 11 કેસ સામે આવ્યા હતા. બે દર્દીઓ અગાઉ સંક્રમિત થયેલા લોકોના સંપર્કમાં આવવાને કારણે ચેપગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે.
ક્લસ્ટર નથી, પરંતુ તંત્ર સંપૂર્ણ એલર્ટ
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર તમામ કેસ અલગ-અલગ વિસ્તારોમાંથી નોંધાયા છે અને હાલ કોઈ કોવિડ ક્લસ્ટર બન્યું નથી. 26 જૂનથી 15 જુલાઈ દરમિયાન કુલ 67 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હાલમાં ત્રણ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, બે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ત્રણ દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફરી ચૂક્યા છે.
