જો તમે પણ તમારી કાર અથવા બાઈકમાં E20 પેટ્રોલનો ઉપયોગ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના બની શકે છે. છેલ્લા કેટલાક સમયથી કેટલાક વાહનચાલકો દ્વારા એવી ફરિયાદો કરવામાં આવી રહી છે કે E20 પેટ્રોલના ઉપયોગ બાદ માઇલેજમાં ઘટાડો જોવા મળે છે અને ખાસ કરીને જૂના એન્જિન ધરાવતા વાહનોમાં તેની અસર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ દરમિયાન ઇન્ડિયન ઓઇલનું XP100 પ્રીમિયમ પેટ્રોલ ફરી ચર્ચામાં આવ્યું છે. XP100 એ 100 ઓક્ટેન રેટિંગ ધરાવતું પ્રીમિયમ અને સંપૂર્ણપણે ઇથેનોલ-મુક્ત પેટ્રોલ છે, જેને ડિસેમ્બર 2020માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફ્યુઅલ ખાસ કરીને હાઈ-પરફોર્મન્સ કાર, સુપરકાર અને પ્રીમિયમ બાઈકને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.
સરકાર હાલમાં E20 પેટ્રોલને પ્રોત્સાહન આપી રહી છે, કારણ કે તેમાં 20 ટકા ઇથેનોલ અને 80 ટકા પેટ્રોલ હોય છે. તેનો મુખ્ય હેતુ પ્રદૂષણ ઘટાડવો અને ક્રૂડ ઓઇલની આયાત પરની નિર્ભરતા ઓછી કરવાનો છે. જોકે, જૂના મોડલના કેટલાક વાહનોમાં તેના ઉપયોગ અંગે વાહનચાલકોમાં પ્રશ્નો ઊભા થયા છે.
ઇન્ડિયન ઓઇલના જણાવ્યા મુજબ, 91 ઓક્ટેન પેટ્રોલ પર ચાલતા વાહનોમાં પણ XP100નો ઉપયોગ સુરક્ષિત રીતે કરી શકાય છે. કંપનીનો દાવો છે કે તે એન્જિનને વધુ સ્મૂધ બનાવે છે, એક્સિલરેશન સુધારે છે અને ફ્યુઅલ સિસ્ટમને સ્વચ્છ રાખવામાં મદદરૂપ બને છે. જોકે તેનો શ્રેષ્ઠ લાભ એવા એન્જિનમાં મળે છે, જે હાઈ-ઓક્ટેન ફ્યુઅલ માટે ડિઝાઇન કરવામાં આવ્યા હોય.
મહત્વની વાત એ પણ છે કે જો 91 ઓક્ટેન પેટ્રોલ અને XP100 મિક્સ થઈ જાય, તો પણ એન્જિનને નુકસાન થતું નથી. મિશ્રણ બાદ ફ્યુઅલનું ઓક્ટેન રેટિંગ વધે છે, જેના કારણે કેટલાક કિસ્સાઓમાં વાહન વધુ સ્મૂધ રીતે ચાલી શકે છે.
