ભારતમાં ડેન્ગ્યુ સામે મોટું પગલું

દર વર્ષે ચોમાસા દરમિયાન ડેન્ગ્યુના વધતા કેસો દેશ માટે મોટી ચિંતા બની રહે છે. આવી સ્થિતિમાં ભારતને મોટી રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. દેશમાં પ્રથમ વખત QDENGA નામની ડેન્ગ્યુ વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. જાપાનની ફાર્માસ્યુટિકલ કંપની Takeda દ્વારા વિકસાવવામાં આવેલી આ રસીને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) તરફથી મંજૂરી મળી છે. આ વેક્સિન 4થી 60 વર્ષની વયના લોકો માટે ઉપલબ્ધ રહેશે.

QDENGA વેક્સિનની સૌથી મોટી ખાસિયત

QDENGA ભારતમાં મંજૂર થયેલી પ્રથમ ડેન્ગ્યુ વેક્સિન છે. તેની સૌથી મહત્વની વિશેષતા એ છે કે રસી લેતા પહેલાં વ્યક્તિને અગાઉ ડેન્ગ્યુ થયો હતો કે નહીં તેની તપાસ કરાવવાની જરૂર નથી. એટલે કે અગાઉ ડેન્ગ્યુ થયો હોય કે ન થયો હોય, બંને સ્થિતિમાં આ રસી લઈ શકાય છે.

કેટલા ડોઝ અને કોના માટે?

આ વેક્સિન 4થી 60 વર્ષની ઉંમરના લોકો માટે મંજૂર કરવામાં આવી છે. રસીના બે ડોઝ આપવામાં આવશે અને બંને ડોઝ વચ્ચે ત્રણ મહિનાનું અંતર રાખવું ફરજિયાત રહેશે. આ રસી ત્વચાની નીચે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે.

ડેન્ગ્યુના ચારેય પ્રકાર સામે રક્ષણ

ડેન્ગ્યુ વાયરસના ચાર અલગ-અલગ પ્રકાર હોય છે. QDENGAને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તે ચારેય પ્રકાર સામે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં મદદરૂપ બને. કંપનીના જણાવ્યા મુજબ, આ વેક્સિન ડેન્ગ્યુથી હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડે છે.

ક્લિનિકલ ટ્રાયલમાં અસરકારક પરિણામ

28 હજારથી વધુ લોકો પર થયેલા ક્લિનિકલ ટ્રાયલમાં QDENGAના પરિણામો સકારાત્મક રહ્યા છે. બીજા ડોઝ પછી 12 મહિનાએ ડેન્ગ્યુ સામે આશરે 80.2 ટકા અસરકારકતા જોવા મળી હતી. જ્યારે હોસ્પિટલમાં દાખલ થવાના જોખમમાં 90.4 ટકા સુધી ઘટાડો નોંધાયો હતો. લાંબા ગાળાના અભ્યાસમાં પણ વેક્સિનની અસરકારકતા જળવાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.

WHOની ભલામણ અને 43 દેશોમાં મંજૂરી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ QDENGAની ભલામણ કરી છે અને તેને પ્રીક્વોલિફિકેશન પણ મળ્યું છે. હાલમાં ભારત સહિત વિશ્વના 43 દેશોમાં આ વેક્સિનને મંજૂરી મળી ચૂકી છે. કંપનીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં વિશ્વભરમાં 3.2 કરોડથી વધુ ડોઝનું વિતરણ થઈ ચૂક્યું છે.

રસી પછી પણ સાવચેતી જરૂરી

નિષ્ણાતોના મતે વેક્સિન ડેન્ગ્યુ સામે મજબૂત સુરક્ષા આપે છે, પરંતુ મચ્છરોથી બચવાના ઉપાયો પણ એટલા જ જરૂરી છે. ઘરની આસપાસ પાણી જમા ન થવા દેવું, લાંબી બાયના કપડાં પહેરવા, મચ્છરદાની અને રિપેલેન્ટનો ઉપયોગ કરવો તેમજ ડેન્ગ્યુના લક્ષણો દેખાય તો તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.