રાહુલ ગાંધી બન્યા કેન્દ્રમાં
NEET પેપર લીક મુદ્દે CJPના બેનર હેઠળ શરૂ થયેલું આંદોલન હવે રાજકીય રંગ લેતું જોવા મળી રહ્યું છે. શરૂઆતમાં વિદ્યાર્થીઓ અને CJPના નેતાઓ આંદોલનનું મુખ્ય ચહેરું હતા, પરંતુ કોંગ્રેસની આક્રમક એન્ટ્રી બાદ સમગ્ર ફોકસ હવે રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ તરફ વળી ગયો છે.
કોંગ્રેસે સરકાર સામે મોરચો ખોલ્યો
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના સાંસદો તથા વિવિધ રાજ્યોના નેતાઓએ વડાપ્રધાન નિવાસસ્થાન તરફ કૂચ કરી હતી. કોંગ્રેસે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આંદોલનને વધુ રાજકીય બનાવવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસનું કહેવું છે કે માત્ર સંસદમાં ચર્ચા પૂરતી નથી, જવાબદારી નક્કી થવી જોઈએ.

પોલીસ કાર્યવાહી અને રાજકીય ટકરાવ
પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ સહિત અનેક વિરોધી નેતાઓની અટકાયત કરી હતી. બીજી તરફ સંસદીય કાર્ય મંત્રી જીતેન્દ્ર સિંહે દાવો કર્યો કે સરકાર NEET મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ કોંગ્રેસે હવે રાજીનામાની નવી માંગ આગળ ધરી છે. કોંગ્રેસનું કહેવું છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લીધા વગર આંદોલન પાછું ખેંચાશે નહીં.
શું CJPનું આંદોલન પાછળ ધકેલાયું?
કોંગ્રેસની એન્ટ્રી બાદ એવી ચર્ચા તેજ બની છે કે મૂળ વિદ્યાર્થી કેન્દ્રિત આંદોલન હવે રાજકીય સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી આંદોલનનું નેતૃત્વ કરી રહેલા કાર્યકરો અને વિદ્યાર્થીઓની સરખામણીએ હવે મીડિયામાં કોંગ્રેસના નેતાઓ વધુ જોવા મળી રહ્યા છે. તેના કારણે CJPની ભૂમિકા અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ છે.
આગામી દિવસોમાં રાજકીય સમીકરણ પર નજર
વિપક્ષની અનેક પાર્ટીઓ આંદોલનના સમર્થનમાં આવી રહી છે. સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ સહિતના પક્ષોએ પણ પોતાની હાજરી નોંધાવી છે. હવે આ મુદ્દો માત્ર વિદ્યાર્થીઓના પ્રશ્ન પૂરતો ન રહી, સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેના રાજકીય સંઘર્ષમાં બદલાતો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં આ આંદોલનનું નેતૃત્વ કોણ સંભાળે છે અને સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.
