ઉત્તર ભારતમાં ચોમાસાએ ફરી મચાવી તબાહી
દેશના અનેક રાજ્યોમાં ચોમાસું ફરી સક્રિય બનતાં ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અસમ અને પૂર્વોત્તરના અનેક વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ સતત વધી રહી છે. હવામાન વિભાગે અનેક રાજ્યો માટે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં મૃત્યુઆંક 23 પર પહોંચ્યો
જમ્મુ-કાશ્મીરમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે સ્થિતિ ગંભીર બની છે. પૂંછ જિલ્લાના લોરાન વિસ્તારમાં ભૂસ્ખલનથી એક કાચું મકાન ધરાશાયી થતાં એક મહિલા અને તેના બે બાળકો સહિત સાત લોકોના મોત થયા છે. રાજ્યમાં વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં કુલ મૃત્યુઆંક વધીને 23 થયો છે. ઉપરાંત પૂંછ અને રાજૌરી જિલ્લામાં કેટલાક લોકો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. જમ્મુ-કિશ્તવાડ નેશનલ હાઈવે પણ પથ્થરો પડવાના કારણે બંધ કરવામાં આવ્યો છે.
ઉત્તરાખંડ અને હિમાચલમાં હાઈ એલર્ટ
ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે ચાર નેશનલ હાઈવે સહિત લગભગ 150 રસ્તાઓ બંધ થઈ ગયા છે. સુરક્ષાના પગલે ચારધામ યાત્રા અસ્થાયી રીતે રોકવામાં આવી છે અને રાજ્યભરની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. દેહરાદૂન, ટિહરી અને હરિદ્વાર માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદના કારણે સ્થિતિ ગંભીર બની છે. કાંગડા, મંડી અને સિરમૌર જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે રાજ્યમાં 36થી વધુ રસ્તાઓ અવરજવર માટે બંધ છે.
પૂર્વોત્તર રાજ્યોમાં પણ સ્થિતિ ગંભીર
નાગાલેન્ડમાં ભૂસ્ખલનથી એક સરકારી શાળાની ઈમારતને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી છે. બીજી તરફ સિક્કિમના નામચી જિલ્લામાં નિર્માણાધીન રોડ ટનલના પ્રવેશદ્વાર પર ભૂસ્ખલન થતાં 12 શ્રમિકો ફસાઈ ગયા છે, જેમને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરાઈ છે.
અસમમાં 1.70 લાખ લોકો પૂરથી પ્રભાવિત
અસમના 12 જિલ્લામાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે. બ્રહ્મપુત્રા સહિતની મુખ્ય નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, જ્યારે ગુવાહાટી સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાઓ જળમગ્ન બન્યા છે. સત્તાવાર માહિતી અનુસાર લગભગ 1.70 લાખ લોકો પૂરની અસર હેઠળ આવ્યા છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
