લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર FBIનો કડક પ્રહાર, 9 દેશોમાં ફેલાયેલા નેટવર્કની તપાસ તેજ

અમેરિકી તપાસમાં આંતરરાષ્ટ્રીય ગેંગનો મોટો ખુલાસો

અમેરિકાની FBI અને ન્યાય વિભાગે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સહિત 37 આરોપીઓ સામે આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાહિત નેટવર્ક ચલાવવાના ગંભીર આરોપો નોંધ્યા છે. તપાસ મુજબ આ નેટવર્ક હત્યા, ડ્રગ્સની હેરાફેરી, ખંડણી ઉઘરાણી, અપહરણ અને ગેરકાયદે હથિયારોની તસ્કરી જેવા અનેક ગંભીર ગુનાઓ સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું છે. અમેરિકા, કેનેડા અને યુરોપની એજન્સીઓએ સંયુક્ત અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 24 લોકોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય કેટલાક આરોપીઓ હજુ પણ ફરાર હોવાનું જણાવાયું છે.

જેલમાં હોવા છતાં નેટવર્ક સંચાલનનો આરોપ

તપાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે લોરેન્સ બિશ્નોઈ ભારતની જેલમાં બંધ હોવા છતાં VoIP ટેક્નોલોજી અને ગેરકાયદે મોબાઇલ ફોન મારફતે સમગ્ર નેટવર્ક સાથે સંપર્કમાં રહેતો હતો. અલગ-અલગ દેશોમાં ગેંગના વિશ્વાસુ સાગરિતોને જવાબદારીઓ સોંપવામાં આવી હતી. ઉત્તર અમેરિકામાં ગોલ્ડી બરાર અને યુરોપમાં રોહિત ગોદારા જેવા નામો મુખ્ય સંચાલકો તરીકે સામે આવ્યા છે.

ડ્રગ્સ, ખંડણી અને કોન્ટ્રાક્ટ કિલિંગનો મોટો જાળ

FBIના દાવા અનુસાર ગેંગ માત્ર હત્યા સુધી મર્યાદિત નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સની સપ્લાય ચેઇન, કોન્ટ્રાક્ટ કિલિંગ અને કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવવાના કેસોમાં પણ સંડોવાયેલું છે. તપાસ મુજબ અમેરિકા અને કેનેડા વચ્ચે કોકેન તથા મેથામ્ફેટામિનની હેરાફેરી કરવામાં આવતી હતી. ઉપરાંત વિદેશમાં વસતા ભારતીય મૂળના વેપારીઓને ધમકાવીને ખંડણી વસૂલવાના આરોપો પણ નોંધાયા છે.

9થી વધુ દેશોમાં ફેલાયેલું નેટવર્ક, પ્રત્યાર્પણ પર ચર્ચા

અમેરિકી તપાસ મુજબ ગેંગની પહોંચ અમેરિકા, કેનેડા, બ્રિટન, સ્પેન, ફ્રાન્સ, મેક્સિકો, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સહિત અનેક દેશો સુધી હોવાનું કહેવાય છે. હાલમાં લોરેન્સ બિશ્નોઈ અને જગ્ગૂ ભગવાનપુરિયા ભારતની જેલોમાં બંધ હોવાથી તેમના પ્રત્યાર્પણ અંગે ચર્ચા શરૂ થઈ છે. જોકે જો અમેરિકા સત્તાવાર રીતે પ્રત્યાર્પણની માંગ કરશે તો અંતિમ નિર્ણય ભારત સરકાર અને ભારતીય અદાલતોની કાનૂની પ્રક્રિયા બાદ જ લેવામાં આવશે.