ઈરાન તણાવ વચ્ચે નવો વિવાદ

ઈરાન સાથે વધતા તણાવની વચ્ચે હવે અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે પણ મતભેદો સામે આવ્યા છે. અહેવાલો મુજબ, ઈઝરાયલે તેલ અવીવના બેન ગુરિયન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર નવા અમેરિકી મિલિટ્રી રિફ્યુઅલિંગ એરક્રાફ્ટના લેન્ડિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણયથી બંને દેશો વચ્ચે ચર્ચા તેજ બની છે.

લેન્ડિંગ પર કેમ લગાવાયો પ્રતિબંધ?

અહેવાલ મુજબ, હાલમાં એરપોર્ટ પર અમેરિકાના અનેક રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ પહેલેથી જ પાર્ક છે. ઈઝરાયલના પરિવહન મંત્રાલયનું કહેવું છે કે જો વધુ લશ્કરી વિમાનોને મંજૂરી આપવામાં આવશે તો સામાન્ય મુસાફરોની ફ્લાઈટ્સ પર તેની સીધી અસર પડશે. તેથી નવા અમેરિકી એરક્રાફ્ટના લેન્ડિંગ પર રોક લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

50 હજાર મુસાફરો પર પડી શકે અસર

ઈઝરાયલ એરપોર્ટ્સ ઓથોરિટીએ ચેતવણી આપી છે કે જો એરપોર્ટ પર લશ્કરી વિમાનોની સંખ્યા ઓછી નહીં થાય તો જુલાઈના પીક ટ્રાવેલ સીઝનમાં આશરે 50 હજાર મુસાફરોની ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ શકે છે. પરિવહન મંત્રાલયે અમેરિકી એરક્રાફ્ટની સંખ્યા મર્યાદિત રાખવાની પણ માંગ કરી છે.

અમેરિકા પહેલાથી જ વિમાનો હટાવી રહ્યું હતું

અહેવાલો અનુસાર, અમેરિકા અગાઉ બેન ગુરિયન એરપોર્ટ પરથી પોતાના કેટલાક રિફ્યુઅલિંગ વિમાનો હટાવવાની પ્રક્રિયા શરૂ કરી ચૂક્યું હતું. જોકે, તાજેતરમાં ઈરાન સાથે વધેલા નવા તણાવ બાદ આ પ્રક્રિયામાં વિલંબ થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.