વાસદ કાંડમાં મોટો વળાંક
આણંદ જિલ્લાના વાસદમાં ચાર વર્ષની બાળકીના અપહરણ અને હત્યાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. કેસના આરોપી સુરેશ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ પૂછપરછ દરમિયાન પોલીસ ટીમ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે આત્મરક્ષામાં ફાયરિંગ કરવાની ફરજ પડી.
અપહરણ બાદ મળી આવ્યો હતો મૃતદેહ
પોલીસ તપાસ મુજબ 18 જુલાઈની રાત્રે વાસદ રેલવે સ્ટેશન પરથી બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે સવારે રેલવે ટ્રેક પરથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બાળકી પર જાતીય અત્યાચાર થયા હોવાની તેમજ પુરાવા નષ્ટ કરવા ટ્રેન નીચે ફેંકી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે તપાસ હજુ ચાલુ છે.
પોલીસ પર હુમલા બાદ એન્કાઉન્ટર
પોલીસના જણાવ્યા મુજબ આરોપીને વધુ તપાસ માટે લઈ જવાઈ રહ્યો હતો ત્યારે તેણે ઉલ્ટી થવાનું બહાનું બનાવી વાહન ઉભું રાખાવ્યું. ત્યારબાદ પોતાની પાસે છુપાવેલો ચપ્પુ કાઢીને પોલીસ ટીમ પર હુમલો કર્યો. વારંવાર ચેતવણી આપવા છતાં હુમલો ચાલુ રાખતાં પોલીસે આત્મરક્ષામાં ગોળીબાર કર્યો, જેમાં આરોપી સુરેશ પરમારનું મોત થયું.
બે પોલીસકર્મી પણ ઘાયલ
આ હુમલામાં બે પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. સમગ્ર ઘટનાની તપાસ આગળ વધી રહી છે. વાસદમાં માસૂમ બાળકીના અપહરણ અને હત્યાની ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું અને હવે આરોપીના એન્કાઉન્ટર બાદ કેસ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
નોંધ: બાળકી પર દુષ્કર્મ થયાની બાબત અંગે પોલીસ દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મુદ્દે તપાસ અને ફોરેન્સિક પ્રક્રિયા ચાલુ હોવાથી અંતિમ નિષ્કર્ષ સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
