સિલ્ક સાડી ખરીદતા પહેલાં આ ખાસ વાતો જરૂર જાણો
સિલ્ક સાડીનો શાહી લુક દરેક પ્રસંગને વધુ ખાસ બનાવે છે, પરંતુ આજના સમયમાં બજારમાં અસલી અને નકલી સિલ્ક વચ્ચેનો તફાવત સમજવો સરળ રહ્યો નથી. ઘણી આર્ટિફિશિયલ સાડીઓ પણ દેખાવમાં એટલી આકર્ષક હોય છે કે સામાન્ય ગ્રાહક સરળતાથી ગેરસમજમાં આવી શકે છે. તેથી ખરીદી પહેલાં કેટલીક સરળ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
આ સરળ ટેસ્ટથી જાણી લો સિલ્કની વાસ્તવિક ગુણવત્તા
સિલ્કની ઓળખ માટે આગનો ટેસ્ટ સૌથી વધુ જાણીતો માનવામાં આવે છે. સાડીના એક નાના દોરાને સળગાવતાં જો વાળ બળવા જેવી ગંધ આવે અને રાખ બની જાય તો તે અસલી સિલ્ક હોવાની સંભાવના વધુ હોય છે. બીજી તરફ જો દોરો પ્લાસ્ટિકની જેમ પીગળી જાય તો તે સિન્થેટિક હોઈ શકે છે. ઉપરાંત હથેળી વચ્ચે સિલ્કને ઘસતાં અસલી રેશમમાં થોડી ગરમી અનુભવાય છે, જ્યારે નકલી સિલ્કમાં એવો અનુભવ થતો નથી.

ચમક, વીંટી ટેસ્ટ અને સ્પર્શથી પણ થઈ શકે ઓળખ
અસલી સિલ્કમાં કુદરતી ચમક જોવા મળે છે, જે અલગ-અલગ એંગલથી જોતા રંગમાં હળવો ફેરફાર દર્શાવે છે. હલકી સિલ્ક સાડી માટે વીંટી ટેસ્ટ પણ ઉપયોગી માનવામાં આવે છે, જેમાં નરમ અને લવચીક સિલ્ક સરળતાથી વીંટીમાંથી પસાર થઈ જાય છે. ઉપરાંત અસલી સિલ્કનો સ્પર્શ ખૂબ જ પોચો અને મખમલી લાગે છે, જ્યારે નકલી સિલ્કમાં પ્લાસ્ટિક જેવી કઠોરતા અનુભવાઈ શકે છે.

કિંમત, વણાટ અને પાણીની પરીક્ષણ પણ રાખો ધ્યાનમાં
ખૂબ જ ઓછી કિંમતે મળતી 'પ્યોર સિલ્ક' સાડી અંગે સાવચેત રહેવું જોઈએ, કારણ કે અસલી સિલ્કનું ઉત્પાદન ખર્ચાળ હોય છે. હેન્ડલૂમ સિલ્કમાં વણાટની કુદરતી અસમાનતા જોવા મળે છે, જ્યારે મશીનથી બનેલી સિન્થેટિક સાડી વધુ એકસરખી દેખાય છે. પાણીનો એક ટીપો નાખીને પણ પ્રાથમિક ઓળખ કરી શકાય છે. અસલી સિલ્ક પાણી ઝડપથી શોષી લે છે, જ્યારે નકલી સિલ્ક પર પાણી લાંબા સમય સુધી ટકી રહેવાની શક્યતા હોય છે.
