અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં મેઘરાજાએ ભારે તાંડવ મચાવ્યું છે. ગત રાતથી સતત વરસી રહેલા વરસાદના કારણે રાજુલામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અતિભારે વરસાદને કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને અનેક સ્થળોએ જનજીવન પ્રભાવિત બન્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી જળભરાવની સમસ્યા હોવા છતાં કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
એકસાથે પડેલા ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં ઘોડાપૂર આવ્યું છે. ધાતરવડી ડેમના 20થી વધુ દરવાજા ખોલવામાં આવતા પાણીનો પ્રવાહ વધુ તેજ બન્યો છે. રાજુલા તાલુકાના ચૌત્રા સહિત 7થી 8 ગામોનો સંપર્ક તૂટી ગયો છે. અનેક રસ્તાઓ ધોવાઈ જતાં અને કેટલાક પુલ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાયો છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. વડ, હિંડરણા, ખાખબાઈ, લોઠપુર અને કોવાયા સહિતના ગામોના લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. રાજુલા-ખાંભા માર્ગ પર પણ પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળતાં માર્ગ બંધ કરવાની સ્થિતિ સર્જાઈ છે. ડુંગર ગામ તરફ જવાના રસ્તાઓ પર પણ પૂરનું પાણી ફરી વળતાં લોકો જીવના જોખમે અવરજવર કરી રહ્યા છે.
બીજી તરફ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પણ ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જોકે આ વરસાદ ખેડૂતો માટે રાહતરૂપ બન્યો છે, પરંતુ રાજુલા વિસ્તારમાં હજુ વધુ વરસાદ વરસે તો ખેતરોમાં પાણી ભરાવાને કારણે પાકને નુકસાન થવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
