સુરતમાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ
સુરત જિલ્લામાં પાવરગ્રીડ લાઇનની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખાનગી કંપની દ્વારા ખેડૂતોની જમીનમાં વીજ ટાવર ઊભા કરવાની કામગીરી સામે અસરગ્રસ્ત ખેડૂતોએ શનિવારે સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ વિશાળ વિરોધ પ્રદર્શન કર્યું. 'વળતર નહીં તો ટાવર નહીં'ના ગગનભેદી નારાઓ સાથે ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા અને સરકારના 4 જુલાઈના પરિપત્રની હોળી કરી વિરોધ વ્યક્ત કર્યો.
500થી વધુ ખેડૂતો મોરચામાં જોડાયા
ઓલપાડ, માંગરોળ, કામરેજ, બારડોલી, મહુવા અને પલસાણા સહિત સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી 500થી વધુ ખેડૂતો વિરોધમાં જોડાયા હતા. ખેડૂતોનું કહેવું છે કે પાવરગ્રીડ ટાવર ઊભા થતાં તેમની ખેતીની જમીનને લાંબા ગાળે નુકસાન થશે અને જમીનની ઉત્પાદન ક્ષમતા પર પણ અસર પડશે.
પરિપત્ર સામે કેમ વિરોધ?
સરકારે 4 જુલાઈએ જાહેર કરેલા પરિપત્રમાં અસરગ્રસ્ત ખેડૂતોને વળતર અંગેની જોગવાઈ કરવામાં આવી છે. જોકે ખેડૂતોના જણાવ્યા મુજબ આ વળતર અપૂરતું અને અન્યાયી છે. આ કારણે ખેડૂતો પરિપત્ર પાછો ખેંચવાની અને બજાર મૂલ્ય મુજબ યોગ્ય વળતર આપવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે.
ખેડૂતોની મુખ્ય માંગણીઓ
ખેડૂત આગેવાનોએ સરકાર સમક્ષ સ્પષ્ટ માંગણીઓ મૂકી છે. તેમની માંગ છે કે પાવરગ્રીડ ટાવર માટે બજાર કિંમત પ્રમાણે ચાર ગણું વળતર આપવામાં આવે. ઉપરાંત ટાવર દીઠ ₹50,000 વાર્ષિક ભાડું અથવા થાંભલા દીઠ ₹2 કરોડનું વળતર ચૂકવવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે માંગણીઓ નહીં સ્વીકારાય તો તેઓ પાવરગ્રીડની કામગીરી થવા નહીં દે.
આરપારની લડાઈનો સંકેત
ખેડૂતોનો આક્રોશ હવે માત્ર વિરોધ પૂરતો સીમિત રહ્યો નથી. અસરગ્રસ્ત ખેડૂતોનું કહેવું છે કે યોગ્ય વળતર અને ન્યાય ન મળે ત્યાં સુધી તેઓ પાવરગ્રીડના ટાવર ઊભા કરવાની કામગીરીનો સખત વિરોધ ચાલુ રાખશે.
