મોરબી જિલ્લાના જેતપર ગામે વળતરની માંગ સાથે છેલ્લા 19 દિવસથી ચાલી રહેલા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનનો અંત આવ્યો છે. સંતો-મહંતો અને સમાજની દીકરીઓના હસ્તે ઉપવાસી ખેડૂતોના પારણા કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે આયોજિત ખેડૂત મહાસભામાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપવાસ પૂર્ણ થતાં પહેલાં આંદોલન સ્થળે વિશાળ ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત વરસાદ છતાં આશરે બે હજાર જેટલા ખેડૂતો એકત્ર થયા હતા અને પોતાની એકતા દર્શાવી હતી. ખેડૂતોનું કહેવું છે કે આ લડત માત્ર ઉપવાસ સુધી મર્યાદિત નથી પરંતુ યોગ્ય વળતર મળ્યા સુધી ચાલુ રહેશે.
ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા જાહેર કરાયેલું વર્તમાન વળતર સ્વીકાર્ય નથી. તેથી ઉપવાસનો અંત આવ્યો હોવા છતાં આંદોલન સમાપ્ત થયું નથી. આગામી દિવસોમાં સરકાર સામે વધુ અસરકારક રીતે લડત આપવા માટે 'આંદોલન પાર્ટ-3'ની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે.
ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો યોગ્ય અને ન્યાયસંગત વળતર નહીં મળે તો આગામી તબક્કામાં આંદોલન વધુ વ્યાપક અને ઉગ્ર બનાવવામાં આવશે.
