જમ્મુ-કાશ્મીરમાં આવેલી પવિત્ર અમરનાથ ગુફામાં ચાલી રહેલી યાત્રા વચ્ચે હિમ શિવલિંગના કદમાં ઝડપથી ઘટાડો થવાના અહેવાલોએ ભક્તો અને પર્યાવરણવિદોમાં ચિંતા વધારી છે. શરૂઆતમાં આશરે 7 ફૂટ ઊંચું રહેલું હિમ શિવલિંગ હવે લગભગ 1 ફૂટ જેટલું જ બચ્યું હોવાનું વિવિધ અહેવાલોમાં જણાવાયું છે.
નિષ્ણાતોના મતે આ પાછળ એક નહીં પરંતુ અનેક કુદરતી અને માનવસર્જિત પરિબળો જવાબદાર છે. વધતું વૈશ્વિક તાપમાન, હિમાલય વિસ્તારમાં ગરમીનો વધારો, ગુફામાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓની અવરજવરથી સર્જાતી ગરમી, ટપકતા પાણીના સ્ત્રોતમાં ફેરફાર અને ઓછી બરફવર્ષા જેવા પરિબળોના કારણે હિમ શિવલિંગ ઝડપથી પીગળી રહ્યું છે.
ભૂસ્તરશાસ્ત્ર મુજબ અમરનાથનું હિમ શિવલિંગ એક કુદરતી આઈસ સ્ટેલેગ્માઈટ છે, જે ગુફાની છતમાંથી ટપકતા પાણીના સતત થીજવાથી બને છે. જો તાપમાન વધે અથવા પાણીનો પ્રવાહ બદલાય તો તેનું કદ ઝડપથી ઘટી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે યાત્રા દરમિયાન શિવલિંગ ફરી મોટું થવાની શક્યતા ખૂબ ઓછી છે, જો સુધી ભારે બરફવર્ષા અને અત્યંત નીચું તાપમાન ન રહે.
આ પાંચ કારણો માની શકાય
તાપમાનમાં સતત વધારો
શ્રદ્ધાળુંઓની રેકોર્ડબ્રેક સંખ્યા
ટપકતા પાણીના સ્ત્રોતમાં ફેરફાર
ભેજ અને આંતરિક પવનની સ્થિતિ
ક્લાઈમેટ ચેન્જ અને ઓછી બરફવર્ષા
જોકે હિમ શિવલિંગનું કદ ઘટ્યું હોવા છતાં યાત્રા યથાવત ચાલુ છે. લાખો શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન માટે પહોંચી રહ્યા છે અને સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે યાત્રા નિર્ધારિત કાર્યક્રમ મુજબ આગળ વધી રહી છે.
