સુરતના રસ્તાઓ જોઈ સાંસદ પણ બોલી ઉઠ્યા
વરસાદ બાદ સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં કાદવ, ખાડા અને બિસ્માર રસ્તાઓની ફરિયાદો વચ્ચે હવે રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ પણ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે. ચાલતી કારમાંથી વીડિયો બનાવી તેમણે શહેરના રસ્તાઓની હાલત બતાવતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
વીડિયોમાં રસ્તાઓની વાસ્તવિકતા બતાવી
સાંસદ ધોળકિયાએ પોતાના વીડિયોમાં રસ્તાઓ પર ભરાયેલા કાદવ, ખાડા અને વાહનચાલકોને પડી રહેલી મુશ્કેલીઓ દર્શાવી હતી. તેમણે જણાવ્યું કે ખરાબ રસ્તાઓના કારણે સામાન્ય નાગરિકોને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલી પડી રહી છે, છતાં સમસ્યાના નિરાકરણ માટે અસરકારક કામગીરી જોવા મળતી નથી.
'કોઈના પેટનું પાણી હાલતું જ નથી'
વીડિયોમાં ગોવિંદ ધોળકિયાએ તંત્ર પર સીધો પ્રહાર કરતાં કહ્યું કે, "કોઈના પેટનું પાણી હાલતું જ નથી." તેમણે એક સ્થળનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે પાર્કિંગ તરીકે ઉપયોગમાં લેવાતો વિસ્તાર પણ રોડનો જ ભાગ છે, પરંતુ વચ્ચે ખાડો હોવાથી લોકોને યોગ્ય રીતે વાહન પાર્ક કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
તંત્રની કામગીરી ફરી સવાલોમાં
સાંસદે સુરતની હાલની સ્થિતિને "શરમજનક" ગણાવી હતી. વરસાદી માહોલમાં શહેરના બિસ્માર રસ્તાઓ અને કાદવની સમસ્યા ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. સાંસદના આ નિવેદન બાદ હવે સ્થાનિક વહીવટી તંત્ર આ મુદ્દે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.
