ગુજરાતના વિકાસમાં વધુ એક મહત્વનો માઇલસ્ટોન ઉમેરાવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા ધોલેરા ઇન્ટરનેશનલ ગ્રીનફીલ્ડ એરપોર્ટ અંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપ્પુએ મોટી જાહેરાત કરી છે. તેમના જણાવ્યા અનુસાર આગામી 3 થી 4 મહિનામાં એરપોર્ટ કાર્યરત થઈ શકે છે.
સિવિલિયન વિમાન પણ બનશે ગુજરાતમાં
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે C-295 બાદ હવે દેશનું પ્રથમ સિવિલિયન એરક્રાફ્ટ પણ ગુજરાતમાં જ તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે અદાણી એવિયેશન અને ભારત સરકાર સાથે મળીને કામગીરી કરી રહ્યા છે. આ પગલું ભારતને એવિએશન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નવી ઓળખ અપાવશે.
ધોલેરા બનશે વૈશ્વિક હબ
ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) અને આસપાસ વિકસી રહેલા સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ અને હાઈ-ટેક ઉદ્યોગો માટે આ એરપોર્ટ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. આંતરરાષ્ટ્રીય કાર્ગો અને બિઝનેસ કનેક્ટિવિટી વધવાથી ગુજરાતમાં રોકાણ અને રોજગારીને પણ મોટો વેગ મળશે.
વિકાસને મળશે નવી ગતિ
ધોલેરા એરપોર્ટ શરૂ થતાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળશે. સરકારનું માનવું છે કે આ એરપોર્ટ માત્ર મુસાફરી માટે નહીં પરંતુ ભારતના એરોસ્પેસ, લોજિસ્ટિક્સ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.
