આતંકી નેટવર્ક સામે ATSનો મોટો પ્રહાર

ગુજરાત ATSએ રાજ્યમાં આતંકી નેટવર્ક સામે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન હાથ ધરી વધુ 5 શંકાસ્પદોની ધરપકડ કરી છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, અગાઉ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં જૈશ-એ-મહોમ્મદ સાથે સંકળાયેલા હોવાના આરોપ હેઠળ કુલ 13 શંકાસ્પદો ATSના સકંજામાં આવ્યા છે.

પૂછપરછમાં થયા મહત્વના ખુલાસા

તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ધાર્મિક લખાણો સહિત અન્ય સામગ્રી મળી આવી હોવાનું ATSનું કહેવું છે. તપાસ મુજબ, અગાઉ ઝડપાયેલા આરોપીઓ સાથે મળીને વિસ્ફોટક સાધનોના પરીક્ષણ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. બોમ્બ બનાવવા માટેનું મટીરિયલ ક્યાંથી મેળવવામાં આવ્યું અને તેમાં અન્ય કોણ સામેલ છે તે અંગે તપાસ ચાલી રહી છે.

WhatsApp Image 2026-07-18 at 12.49.52 AM.jpeg

જેહાદી સાહિત્ય અને સંગઠન અંગે તપાસ

તપાસ એજન્સી હવે જેહાદી પુસ્તકો અને અન્ય સાહિત્ય આરોપીઓ સુધી કેવી રીતે પહોંચ્યું તેની તપાસ કરી રહી છે. અગાઉની કાર્યવાહી દરમિયાન સામે આવ્યું હતું કે આરોપીઓ જૈશ-એ-મહોમ્મદના સાહિત્યનું ગુજરાતીમાં ભાષાંતર કરીને તેની વિચારધારાનો પ્રચાર કરતા હતા. સાથે જ 'દારૂલ ઈસ્લામ ગુજરાત જૈશ-એ-મહોમ્મદ' નામે સંગઠન બનાવ્યાનો પણ આરોપ છે.

ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયાસ હોવાનો આરોપ

તપાસ દરમિયાન આરોપી મોહમ્મદ અયુબ કડીવાલા પર ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ સામે આવ્યો છે. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે તેમની પૂછપરછ માટે 8 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ATSનું માનવું છે કે આગળની પૂછપરછમાં વધુ મહત્વની માહિતી સામે આવી શકે છે.

નોંધ: ઉપરોક્ત વિગતો તપાસ એજન્સી દ્વારા જાહેર કરાયેલા આરોપો અને પ્રાથમિક તપાસ પર આધારિત છે. કેસની તપાસ ચાલુ છે અને આરોપો અંગે અંતિમ નિર્ણય કોર્ટ દ્વારા લેવામાં આવશે.