અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે ફરી એકવાર કોમી એકતા અને ભાઈચારાનું અનોખું દૃશ્ય જોવા મળ્યું. મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સતત 27મી વખત જગન્નાથ મંદિરે ચાંદીનો રથ અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે મંદિરના મહંત દિલીપદાસજીએ સૌનું ભગવા ખેસ પહેરાવી સન્માન કર્યું.
27 વર્ષથી ચાલી આવતી પરંપરા
રૌફ બંગાળીએ વર્ષો પહેલા સમાજમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે હેતુથી આ પરંપરાની શરૂઆત કરી હતી. ત્યારથી દર વર્ષે રથયાત્રા પહેલા મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીનો રથ અર્પણ કરવામાં આવે છે. આ વર્ષે પણ આ પરંપરા યથાવત રાખવામાં આવી.

ચાંદી અને સોનાથી શોભતો રથ
આ વર્ષે અર્પણ કરાયેલા રથમાં આશરે 300 ગ્રામ ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના પર 5 ગ્રામ સોનાની વરખ ચઢાવવામાં આવી છે. ત્રણ ઘોડાઓથી સુશોભિત આ રથ માત્ર ધાર્મિક આસ્થાનું જ નહીં પરંતુ સમાજમાં એકતા અને પરસ્પર વિશ્વાસનું પણ પ્રતિક બની રહ્યો છે.
શાંતિ અને સૌહાર્દનો સંદેશ
મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું કે રથયાત્રા માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સમગ્ર શહેરનો લોકોત્સવ છે. તમામ ધર્મ અને સમાજના લોકો શાંતિ, પ્રેમ અને ભાઈચારાથી આ ઉત્સવ ઉજવે તે જ આ પરંપરાનો મુખ્ય હેતુ છે.
