ખેડૂતો માટે રાહતના સમાચાર
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાનની આગાહી બંધ કરવાની અગાઉની જાહેરાત બાદ હવે પોતાનો નિર્ણય બદલી દીધો છે. કાયદાકીય નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ તેમણે ફરીથી હવામાનની આગાહી ચાલુ રાખવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી ખેડૂતો સહિત હવામાન પર આધારિત અનેક લોકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.
લોકોની સલાહ બાદ લીધો નિર્ણય
અંબાલાલ પટેલે જણાવ્યું કે અગાઉ કેટલાક કારણોસર તેમણે આગાહી બંધ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ લોકો સાથે ચર્ચા અને અભિપ્રાય મેળવ્યા બાદ હવે તેઓ ફરી અગાઉની જેમ હવામાન અંગેની આગાહી જાહેર કરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનો હેતુ માત્ર લોકોને માહિતી પહોંચાડવાનો છે.
આગાહી માટે ક્યારેય લેતા નથી કોઈ ફી
અંબાલાલ પટેલે જણાવ્યું કે તેઓ વર્ષોથી ખેડૂતો અને સમાજના હિતમાં હવામાન અંગેની આગાહી કરતા આવ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આગાહી બદલ તેઓ કોઈપણ પ્રકારની ફી કે રૂપિયા લેતા નથી. આગાહી પર વિશ્વાસ કરવો કે નહીં તે સંપૂર્ણપણે લોકોનો વ્યક્તિગત નિર્ણય હોવાનું પણ તેમણે જણાવ્યું.
ખેડૂતોના સમર્થન બાદ લીધો નિર્ણય
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગાહી બંધ કરવાની જાહેરાત બાદ અનેક ખેડૂત સંગઠનો, કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને શુભેચ્છકોએ તેમને ફરી આગાહી શરૂ કરવાની વિનંતી કરી હતી. આ સમર્થન અને કાયદાકીય સલાહને ધ્યાનમાં રાખીને તેમણે ફરી હવામાનની આગાહી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ અંબાલાલ પટેલના સમર્થનમાં નિવેદન આપ્યું છે.
