અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી કરી છે. જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાંથી ચિંતાજનક દૃશ્યો સામે આવ્યા છે, જ્યાં રૂપેણી નદીમાં ઘોડાપૂર આવતા ગામનો કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાણીના જોરદાર પ્રવાહને કારણે અવરજવર ખોરવાઈ ગઈ છે અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
નદીના વધેલા પ્રવાહને કારણે ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓને દુકાનો બંધ કરવાની ફરજ પડી હતી. ભારે વરસાદના કારણે રોજિંદું જનજીવન પ્રભાવિત બન્યું છે અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
આ તરફ ખાંભા તાલુકામાં પણ ધાતરવડી નદીમાં પાણીની સપાટી સતત વધી રહી છે. નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ પગલાં લેવામાં આવી રહ્યા છે.
ભારે વરસાદના કારણે અમરેલી જિલ્લાના અનેક માર્ગો પર વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. અમરેલી-સાવરકુંડલા રોડ તેમજ સીમરણ ગામ નજીકના નેશનલ હાઇવે પર મોટા ભુવા પડતાં માર્ગોને નુકસાન પહોંચ્યું છે. પરિણામે વાહનોની અવરજવર અટકી ગઈ છે અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
