ચાંદખેડામાં દીપડાની ચર્ચાએ મચાવ્યો ખળભળાટ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનો દાવો કરતી એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીર સામે આવ્યા બાદ સ્થાનિકોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જોકે, વન વિભાગે હજુ સુધી દીપડો હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

કેફે સંચાલકે કર્યો દીપડો જોવાનો દાવો

મળતી માહિતી મુજબ ચાંદખેડાના એક કેફે સંચાલકે દાવો કર્યો છે કે ગત રાત્રે અંદાજે 2 વાગ્યે કારમાં જતાં સમયે તેમને દીપડો દેખાયો હતો. તેમણે કારમાંથી જ તેનો ફોટો પાડ્યો હોવાનું જણાવ્યું છે અને તરત જ વન વિભાગને જાણ પણ કરી હતી. ત્યારબાદ આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.

વન વિભાગે શું કહ્યું?

આરએફઓ (RFO) હરેશ દેસાઈના જણાવ્યા મુજબ, વન વિભાગની ટીમો સતત વિવિધ વિસ્તારોમાં તપાસ કરી રહી છે. દીપડો છુપાઈ શકે તેવી તમામ સંભવિત જગ્યાઓની તપાસ કરવામાં આવી છે, પરંતુ હાલ સુધી દીપડાની હાજરીનો કોઈ પુરાવો મળ્યો નથી. ચાર અલગ-અલગ સ્થળોએ ટીમોને તૈનાત કરીને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

ઘુમાની ઘટના સાથે કોઈ સંબંધ?

તાજેતરમાં ઘુમા વિસ્તારમાં પણ દીપડો દેખાયાની ઘટના સામે આવી હતી. જોકે, ઘુમા અને ચાંદખેડામાં દેખાયો હોવાનો દાવો કરાયેલા દીપડા એક જ છે કે નહીં તે અંગે વન વિભાગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. બંને વિસ્તારો વચ્ચે 20 કિલોમીટરથી વધુનું અંતર હોવાથી હાલ કોઈ નિષ્કર્ષ પર પહોંચવામાં આવ્યો નથી.

શહેરી વિસ્તારમાં પહોંચવાની શક્યતા ઓછી

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ ઝુંડાલ અને આસપાસનો વિસ્તાર સંપૂર્ણ શહેરી વિસ્તાર હોવાથી દીપડો ત્યાં સુધી પહોંચવાની શક્યતા ખૂબ ઓછી છે. તેમ છતાં, જ્યાં સુધી હકીકત સ્પષ્ટ ન થાય ત્યાં સુધી સર્ચ ઓપરેશન ચાલુ રહેશે.