ભીષણ આગથી સર્જાઈ મોટી દુર્ઘટના
અમદાવાદના મહેમુદપુરા વિસ્તારમાં આવેલી ટેલેન્ટ ફટાકડા ફેક્ટરીમાં શનિવારે ભીષણ આગ લાગતા હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. અધિકારીઓ મુજબ અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
આગ બાદ સંભળાયા ધડાકાના અવાજો
આ દુર્ઘટના ગતરાડ રોડ પર આવેલી ફેક્ટરીમાં બની હતી. આગ લાગ્યા બાદ ફેક્ટરીમાંથી સતત ધડાકાના અવાજો સંભળાતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા.
ફાયર બ્રિગેડે હાથ ધરી બચાવ કામગીરી
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ, જિલ્લા પ્રશાસન અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.
ઘાયલોની સારવાર ચાલુ
માહિતી મુજબ, એલ.જી. હોસ્પિટલમાં 5 અને સિવિલ હોસ્પિટલમાં 4 ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોની સારવાર પણ ચાલી રહી છે. તબીબોની ટીમ સતત તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે.
મનુષ્યવધનો ગુનો નોંધાયો, તપાસ શરૂ
દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદના મેયર, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ બાદ જવાબદારી નક્કી કરવામાં આવશે. આ મામલે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
