149મી રથયાત્રા માટે હાઈટેક સુરક્ષા કવચ
અમદાવાદમાં 16 જુલાઈએ અષાઢી બીજના પાવન અવસરે યોજાનારી 149મી ઐતિહાસિક જગન્નાથ રથયાત્રા માટે પોલીસ તંત્રે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આ વર્ષે પ્રથમ વખત આધુનિક ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરીને સમગ્ર યાત્રા પર સતત નજર રાખવામાં આવશે.
35 ડ્રોન અને GPSથી થશે સતત નજર
રથયાત્રા દરમિયાન તહેનાત કુલ 100 ડ્રોનમાંથી 35 વિશેષ ડ્રોન ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીના ત્રણેય રથનું સતત મોનિટરિંગ કરશે. સાથે જ GPS સિસ્ટમ દ્વારા દરેક રથની લાઇવ લોકેશન કંટ્રોલ રૂમ સુધી પહોંચતી રહેશે. કેમેરાવાન અને વાયરલેસ સિસ્ટમ પણ સતત કાર્યરત રહેશે.
ખલાસીઓનું આધાર આધારિત વેરિફિકેશન
આ વખતે રથ ખેંચનારા તમામ ખલાસીઓનું આધાર ઇનેબલ એપ દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે. ચકાસણી પૂર્ણ થયા બાદ જ મંદિર ટ્રસ્ટ તરફથી બારકોડવાળા ઓળખપત્ર આપવામાં આવશે, જેથી માત્ર અધિકૃત વ્યક્તિઓ જ રથ સાથે જોડાઈ શકે.
દરેક રથ સાથે રહેશે પોલીસનો કાફલો
ત્રણેય રથની સુરક્ષા માટે ASP, DCP, DySP, PI સહિતના ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉપરાંત પુશિંગ સ્ક્વોર્ડ દ્વારા રથની આસપાસ સુરક્ષા કોર્ડન બનાવવામાં આવશે જેથી ભીડ વચ્ચે પણ રથયાત્રા સુવ્યવસ્થિત રીતે આગળ વધી શકે.
